દિવાળીના તહેવારોનું આગમન થઈ રહ્યું છે. ખેડૂતોના ખેતરમાં લણણી(મોસમ) પડી ગઈ છે. મગફળી કયાંક – કયાંક લેવાઈ ગઈ છે તો કયાંક – કયાંક કાઢવાની તૈયારી ચાલુ છે. કપાસની દૂધ જેવી સફેદ કવોલીટીની વિણી આવી ગઈ છે. જેના વેચાણ થકી માર્કેટમાં ખરીદીની તેજી જાવા મળી રહી છે.
ગાય એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ગાય અને ગૌવંશથી ભૂતકાળમાં ખેતી થતી અને બળદથી થતી ખેતી બિન ખર્ચાળ તેમજ જમીન અને પર્યાવરણ માટે સુરક્ષિત હતી પરંતુ માનવીએ આધુનિકતાના નામે ખેતીની જમીન મૃત, પ્રદૂષિત કરી નાખી છે. ફરીથી ધરતી માતાને જીવંત કરવા માટે પ્રાકૃતિક ખેતી અને ગાય તેમજ પશુધનનો વધારો થશે તો જ ખેતી સમૃધ્ધ બનશે ઉપરાંત નકલી દૂધ, માખણ, ઘીનો વપરાશ ઘટશે.
આજે ભણેલા-ગણેલા એવા જુવાનીયાની વાત કરવી છે જેની ઉંમર ૩૩ વર્ષ છે અને ૧ર ધોરણ સુધી અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ આઈટીઆઈ ઓટોમોબાઈલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે.
પાટણ જિલ્લાના પાટણ તાલુકાના આંબાપૂરા ગામના માત્ર ૧૦ વિઘા જમીન ધરાવતા ચિમનભાઈ નોતરીયાના ખેડૂત પુત્ર નિર્મલભાઈની મહેનત, આવડતની સફળ વાત છે.
નિર્મલભાઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદ ફ્રેબ્રિકેશન એન્જીનીયરીંગની કંપની શરૂ કરીને વ્યવસાય સાથે જોડાયા. પરંતુ ખેડૂતના દીકરાનો જીવ ખેતી અને ગામડા સાથે હોય જ. એમ નિર્મલભાઈએ નક્કી કર્યું કે ધંધામાં સફળતા પછી ગામડે રહેવું અને વ્યવસાયલક્ષી ખેતી કરવી. આથી રાજીવ દિક્ષિતમાંથી પ્રેરણા લઈને ર૦૧૮ થી પોતાના પરિવાર સાથે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.
ચોમાસા દરમ્યાન પોતાના ખેતરમાં મગ, અડદ, તલ જેવા વિવિધ કઠોળનું વાવેતર કરે છે. અને શિયાળા દરમ્યાન બંસી ઘઉં, સોનામોતી ઘઉંનું વાવેતર કરે છે. ખેત ઉત્પાદનનું ગ્રેડીંગ, શોર્ટીંગ કરીને એક કિલો, પ કિલો, ર૦ કિલોના પેકિંગ બનાવી પોતાના ભાવે વેચાણ છે. દર વર્ષે ખરીદનાર વધતા જાય છે અને વસ્તુ ઘટે છે.
આજે પોતાની પાસે ૧૮ જેટલી ગાયો છે. ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં કરી જમીન ફરી ફળદ્રુપ બનાવી છે. જયારે ગાયના ઘીમાંથી વિવિધ ઔષધિય ઘી બનાવે છે. જેમાં પંચગવ્ય ઘી, ત્રિફળા ઘી, પંચતિર્થ ઘી, અર્જુન ધૃત ઘી જેવા આયુર્વેદિક દૃષ્ટીએ મહત્વ હોય તેવા ૧પ જેટલા ઘી બનાવે છે. જેની કિલોની કિંમત પચ્ચીસ હજારથી અઢી લાખ સુધીની થાય છે. દવા માટે પ૦ એમ.એલ.થી ૧૦૦ એમ.એલ. સુધીની જરૂરિયાત રહેતી હોય છે. દર મહિને પ૦ કિલો જેવું ઘીનું વેચાણ કરે છે. જેના લીટરના ભાવ રર૦૦ રૂપિયા છે. આ ઉપરાંત ગૌમૂત્રમાંથી અર્જુનસાલ અર્ક, સપ્તરંગી અર્ક જેવા વિવિધ અર્ક બનાવવામાં આવે છે. આ ઉપરાંત પંચગવ્ય સાબુ, ધૂપ સ્ટીક, કુંડા, પૂજાથાળી, ઘડીયાળ, માળા જેવી આત્મનિર્ભર ભારત અંતર્ગત લોકલ ફોર વોકલનાં મંત્રને સાર્થક કરવા વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છે. આ ઉપરાંત નિર્મલભાઈ પોતે એન્જીનીયર છે એટલે લોકો સ્વરોજગાર મેળવી શકે તે માટે એક મશીન બનાવ્યુ છે. જેમાં ગોબરમાંથી પ૦ જેટલી વિવિધ વસ્તુઓ બનાવી શકાય છે.
નિર્મલભાઈનો સંપર્ક નં.૯૭૧૪૩ રર૦૭૪ છે.
:: તિખારો::
સંબંધોની લાગણીમાં મધદરિયે આપણને પોતાના શોખ પુરા કરવા માટે છોડી જનાર વ્યક્તિને કોઈ પૂછવાનો કે જાણવાનો અધિકાર નથી કે આપણે સફળ કેમ થયા, લાગણીઓ રડતી રહે અને જુઠ્ઠુ હાસ્ય બજારમાં વેચાય છે.












































