આણંદ તાલુકાના સામરખા ગામના શકિતનગર ખાતે દંપતી વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી જેને પગલે પહેલાં પતિએ જંતુનાશક દવા પીધી હતી અને ત્યારબાદ પત્નીએ પણ ઝેરી દવા પી લીધી હતી જેથી બંને બેભાન થઈ ગયા હતા આ બંનેને હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે મહિલાનું મોત થતાં આણંદ રૂરલ પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આણંદ તાલુકાના સામરખા ગામના શકિતનગર પ્રાથમિક શાળા પાસે રહેતા ધવલકુમાર શૈલેષભાઈ પરમારનાં લગ્ન ઠાસરા તાલુકાના ભરથરી ગામે રહેતા સ્નેહાબેન દશરથભાઈ રાઠોડ નામની યુવતી સાથે આજથી બરાબર દસ મહિના પહેલાં જ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા તેમનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. દરમિયાન ગત શુક્રવારે રાત્રે ધવલકુમાર નડિયાદ ખાતે રહેતા પોતાના સંબંધીના ઘરે માતાજીના હવનનો પ્રસંગ હોવાથી દર્શન કરવા ગયા હતા અને રાત્રે ૧૨ વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા હતા આ વખતે તેમને તેમની પત્ની સ્નેહાબેન સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જેના કારણે ધવલકુમારને મનમાં લાગી આવ્યું હતું એટલે તેમણે શનિવારની વહેલી સવારે પાંચ વાગ્યે ઘરમાં પડેલી ખેતીપાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં જ તેમની પત્ની સ્નેહાએ પણ ઝેરી દવા પી લીધી હતી જેના કારણે પતિ- પત્ની બેભાન થઈ ગયા હતા. જેની જાણ થતાં પડોશીઓ અને સગાંસંબંધી દ્વારા તરત જ બંનેને હોસ્પિટલ માં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ બંનેની સારવાર શરૂ કરી હતી.
આ દરમિયાન આજે વહેલી સવારે સ્નેહાબેનનું અવસાન થયું હતું. જેની જાણ થતાં જ આણંદ રૂરલ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તેમણે આ અંગે અપમૃત્યુની નોંધ દાખલ કરી હતી અને આ બંને વચ્ચે ક્્યા કારણોસર ઝગડો થયો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે. સામરખા ગામે શકિતનગરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.