આજના ઝડપી યુગમાં જ્યાં ટેક્નોલોજી આગળ વધી છે, ત્યાં સંવેદના, સંસ્કાર અને પરિવારના મૂલ્યો ધીમે ધીમે પાછળ રહી જતા અનુભવાય છે. આવા સમયમાં બાળકોના જીવનમાં માતા-પિતા, દાદા-દાદી અને વડીલોના આશીર્વાદનું મહત્વ ફરી ઉજાગર કરવા અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા દ્વારા એક અનોખો અને હૃદયસ્પર્શી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ૨૨ ડિસેમ્બર, સોમવારના રોજ કેમ્પસ ખાતે સવારે ૮ઃ૦૦ વાગ્યે “વડીલ વંદના” કાર્યક્રમ તથા સાંજે ૪ઃ૦૦ વાગ્યે ધોરણ ૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાર્યક્રમનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. આ પ્રસંગે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવશે અને વાલીઓને સંતાનો સાથે લાગણીપૂર્વક જોડાવાની નવી દિશા આપશે. તેમનું વક્તવ્ય માત્ર સાંભળવાનું નહીં, પરંતુ પ્રેરણાત્મક અનુભવ બની રહેશે તેવું આયોજક કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી અને ચતુરભાઈ ખુંટે જણાવ્યું હતું. આ મહવના આયોજનમાં ધોરણ ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, વાલીઓ અને વડીલો મળી અંદાજે ૬થી ૭ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે. સમગ્ર વિદ્યાસભાનો સ્ટાફ પરિવારભાવથી એકજૂટ થઈ આ કાર્યક્રમને સ્મરણીય બનાવવા માટે સંસ્થાના તમામ સુપરવાઈઝર તેમજ ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યો છે. આ કાર્યક્રમના પ્રેરણાસ્રોત સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સહપરિવાર ઉપસ્થિત રહી સંસ્કારની આ દીપ જ્યોત વધુ તેજસ્વી બનાવવાની અપીલ કરવામાં આવી છે.







































