સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં આજથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. જેથી દશામાના વ્રતની ઉજવણી કરવા અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાં દશામાની મૂર્તિ અને પૂજા સામગ્રી ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારતીય
સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું એક અનોખું મહત્વ હોય છે. દશામાના વ્રતમાં લોકો ખૂબ જ આસ્થા અને ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિનું પૂજન-અર્ચન કરે છે. જો પૂર્ણ શ્રદ્ધા સાથે દશામાના વ્રતનું પૂજન કરવામાં આવે તો માતાજી ચોક્કસ ફળ આપે છે એવી ભાવિકોમાં દ્રઢ શ્રદ્ધા છે. આજથી દશામાના વ્રતનો પ્રારંભ થવાનો હોય તેથી જિલ્લાના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દશામામાં અખૂટ શ્રદ્ધા રાખનાર ભાવિકો અને માતાજીના ઉપાસકો માતાજીની પૂજા સામગ્રી તેમજ દશામાની મૂર્તિ ખરીદવા માટે બજારમાં ઉમટી પડ્યા છે.
દશામાનું વ્રત કરનાર એક બહેને જણાવ્યું હતું કે દશામાનું વ્રત દસ દિવસ સુધી ચાલે છે. ભાવિકો એક ટંક જમીને આ વ્રત કરતા હોય છે. દસ દિવસ દરમિયાન માતાજીના ગુણગાન ભક્તિ, પૂજન-અર્ચન, વાર્તા, ગરબા, માની સ્તુતિ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ મંડપ નાખીને ગોર મહારાજના મુખેથી વાર્તાનું પણ ભાવિકો શ્રવણ કરે છે. દસ દિવસ બાદ વ્રત પૂર્ણ થયે માતાજીને વનમાં અથવા પાણિયારે દીવો પ્રગટાવીને આવતા વર્ષે ફરી પધારવાની આગ્રહ ભરી વિનંતી સાથે ભાવભરી વિદાય આપવામાં આવે છે. આમ આજથી શરૂ થનારા દશામાના વ્રતને લઈ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.