ધારીના આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને દિવાળીના વેકેશન દરમિયાન અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયાએ વિધાનસભા ગૃહમાં પૂછ્યું કે, ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આંબરડી સફારી પાર્કમાં કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી, તેમાં કેટલા વિદેશીઓ હતા અને કેટલી આવક થઈ?
જેનો જવાબ આપતાં વન મંત્રીએ કહ્યું, ૦૧-૦૧-૨૦૨૪થી ૩૧-૧૨-૨૦૨૪ સુધીમાં ૯૪,૮૨૫ અને ૦૧-૦૧-૨૦૨૫ થી ૩૧-૧૨-૨૦૨૫ સુધી ૧,૧૨,૬૨૨ મુલાકાતીઓ મુલાકાત લીધી હતી. ૨૦૨૪માં વિદેશી મુલાકાતીની સંખ્યા માત્ર એક હતી, જ્યારે ૨૦૨૫માં ૨૭ વિદેશી મુલાકાતીઓ આંબરડી સફારી પાર્કમાં આવ્યા હતા. આમ ગત વર્ષે અગાઉના વર્ષોની તુલનામાં વિદેશી મુસાફરોની સંખ્યામાં તોતિંગ ઉછાળો આવ્યો હતો. આંબરડી સફારી પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધતા આવકમાં પણ વધારો થયો છે.
૦૧-૦૧-૨૦૨૪થી ૩૧-૧૨-૨૦૨૪માં ભારતીય મુલાકાતીઓથી રૂ. ૧૬,૪૨,૩૫૮ અને વિદેશી મુલાકાતીઓથી રૂ.૩૫૦૦ તથા ૦૧-૦૧-૨૦૨૫ થી તા. ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં રૂ. ૧,૮૫,૩૫,૨૫૦ તથા વિદેશી મુલાકાતીઓથી રૂ. ૫૯,૦૪૦ આવક થઈ હતી.





































