વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી અંબાતી રામબાબુની ધરપકડ થતાં આંધ્રપ્રદેશના રાજકારણમાં ભારે તણાવ ફાટી નીકળ્યો. મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણીઓ બાદ શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણ અને તોડફોડમાં ફેરવાઈ ગયો.
શનિવાર બપોરથી ગુંટુરના રસ્તાઓ પર વાતાવરણ તંગ હતું. શાસક તેલુગુ દેશમ પાર્ટીના સેંકડો કાર્યકરો અંબાતી રામબાબુના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને તેમની ટિપ્પણી બદલ માફી માંગી હતી. પ્રાદેશિક ચેનલો પર પ્રસારિત ફૂટેજ અનુસાર, વિરોધીઓ રામબાબુના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને વાહનો અને મિલકતમાં તોડફોડ કરી હતી.
ગુંટુરના પોલીસ અધિક્ષક વાકુલા જિંદાલે પુષ્ટિ આપી હતી કે ભૂતપૂર્વ સિંચાઈ મંત્રી અંબાતી રામબાબુની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ફરજ પર રહેલા સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાનો અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો પણ આરોપ છે. ભારે સુરક્ષા અને ટીડીપી કાર્યકરોના જારદાર વિરોધ વચ્ચે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
વાયએસઆરસીપીના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે રામબાબુ પર હત્યાના ઈરાદાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના જીવને ગંભીર જાખમ છે. જગન મોહન રેડ્ડીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “સરકાર સામે સવાલ ઉઠાવતા અવાજાને દબાવવા માટે વિપક્ષી નેતાઓ સામે હિંસા અને હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.”
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વાયએસઆરસીપીસંસદીય પક્ષના નેતા વાય.વી. સુબ્બા રેડ્ડીએ કેન્દ્રીય ગૃહ સચિવ અને રાષ્ટ્રીયય માનવ અધિકાર આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો છે. આંધ્રપ્રદેશમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનો ઉલ્લેખ કરીને, તેમણે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. દરમિયાન, અંબાતી રામબાબુની પત્નીએ પણ પોલીસ કાર્યવાહી સામે હાઈકોર્ટનો દરવાજા ખખડાવ્યો છે.









































