(૧) પ્રેમની પરીક્ષામાં કેટલા વિષય ભણવા પડે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
મેં હજી નથી આપી આ પરીક્ષા!
(૨) પંખામાં ત્રણ પાંખડા જ કેમ હોય છે?
રાજેશભાઈ ડણાંક (અમરેલી)
હવે ઘરમાં મોટાભાગે પતિપત્ની બે અને એક બાળક હોય છે. ત્રણ જણા અને ત્રણ પાંખડા!
(૩) જો તબલા વગાડતા આવડે તો ઢોલ વગાડતા આવડે કે અલગથી શીખવું પડે?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
પતંગ ઉડાડતા આવડે એનો અર્થ એ નહીં કે વિમાન ઉડાડતા પણ આવડે.
(૪) ટેસ્ટ, વન ડે અને ટી-ટ્‌વેન્ટી મેચમાં અલગ અલગ ટીમ શા માટે?
જય દવે (ભાવનગર)
રોજગારીની તકો વધારવા માટે.
(૫) તમારું કઈ બેન્કમાં ખાતું છે?
દર્શન પટેલ (વડોદરા)
ખાતાં બધી બેન્કમાં છે. રૂપિયા એક પણ ખાતામાં નથી.
(૬) તમે ક્યારે વોકિંગ કરો?
રામભાઈ પટેલ (સુરત)
રોડ પર કૂતરાં ન બેઠા હોય ત્યારે.
(૭) આત્મા અમર છે; જીવ ફક્ત ખોળીયું બદલે છે. તો વસતી ૩૫ કરોડમાંથી ૧૪૬ કરોડ કેમ થઈ ગઈ?
કનુભાઈ પરમાર (દામનગર)
૧૪૬ કરોડમાં આત્મા, પરમાત્મા, જીવાત્મા, દેહાત્મા, મહાત્મા, દૃષ્ટાત્મા એમ અનેક ખોળિયા આવી જાય છે.
(૮) આંખો ભીની કેમ થાય છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ડુંગળી સમારવાથી.
(૯) સાહેબ..! મન હોય તો માળવે જવાય..! તો માળવે એટલે શું?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
મન એટલે શું એ સમજી જશો એટલે માળવા એટલે શું એ સમજાઈ જાશે.
(૧૦) સાહેબ..! જંગલમાં મંગલ છે એ ખબર કેમ પડે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ખુદ મંગલ સ્ટેટ્‌સમાં મૂકીને કહે છે જંગલમાં મંગલ!
(૧૧) સાહેબ..! તમને ફિલ્મોમાં કામ કરવાનો રસ ખરો?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આજકાલ મારા લાયક ફિલ્મો ક્યાં બને છે?!
(૧૨) ઈન્સ્ટાગ્રામનું વજન કેટલા ગ્રામનું હોય છે?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ગ્રામસેવકને પૂછો.
(૧૩) પાકા ભાઈબંધ માટે એમ કહેવાય છે કે એકબીજાનું પૂંછડું મુકતા નથી, માણસને તો પૂંછડું હોતું નથી છતાં એમ કેમ કહેવાય છે?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા)
શક્ય છે કે આ કહેવત પ્રાણીઓ પરથી ઉતરી આવી હોય!
(૧૪) આજે દામ્પત્ય જીવન અને નોકરીધંધામાં ઘણા પાયમાલ થઈ ગયા છે. એનું કારણ શું?
ડાહ્યાભાઈ ઝ. આદોજા (લીલિયા મોટા)
તમારી સલાહ ન માનવાનું પરિણામ!
(૧૫) આપણા રાજકોટવાળા ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની વક્રદ્રષ્ટિ પડશે તો?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આપણે ઘેરઘેર લીંબુ-મરચા બાંધી દઈશું.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..