અમરેલીમાં એક સગીરાની છેલ્લા બે વર્ષથી છેડતી કરી તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરનાર શખ્સ વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ સગીરા સાથે અડપલાં કરી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે સગીરાએ મોટા કસ્બાવાડમાં રહેતા અબુતાલીબ સમસુદ્દીન બારૂની (સૈયદ) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી શખ્સ છેલ્લા બે વર્ષથી તેનો પીછો કરી પરેશાન કરતો હતો. તાજેતરમાં આરોપીએ તેનો રસ્તો રોકી, તેનો હાથ પકડી ગેરકાયદેસર અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને પરાણે બથ ભરી દબાણ કરી તેની છેડતી કરી હતી. ઉપરાંત સગીરાના શરીરે અને છાતીના ભાગે પરાણે હાથ ફેરવી શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ સગીરાના વાળ પકડી તેને ઢસડી હતી, જેના કારણે તેને મુંઢ ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેના માતા વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ તેમને પણ ધક્કો મારી પછાડી દીધા હતા અને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીએ સગીરા અને તેના પરિવારને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.










































