અરવલ્લી એલસીબી પોલીસે ચોરાયેલા મોબાઈલ ફોનના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન મોડાસા લાવીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.
અરવલ્લી એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે મોડાસાના માર્કેટ યાર્ડ ગેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ૪૦ નંગ ચોરાયેલા મોબાઈલ ફોન અને એક લેપટોપ મળી આવ્યું હતું. આ ઉપરાંત, પકડાયેલા આરોપીઓની અંગઝડતી લેતા તેમની પાસેથી વધુ ૬ મોબાઈલ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ ૪૬ મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર અને યુએસબી કેબલ સહિત રૂપિયા ૯.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર મોબાઈલ વેચતી જ નહોતી, પરંતુ ચોરીના મોબાઈલના સ્પેરપાર્ટ્‌સ છૂટા પાડીને અન્ય ફોનમાં પણ વાપરતી હતી. આ સિવાય, ચોરેલા ફોનના આઇએમઇઆઇ નંબર બદલીને તેને અન્ય રાજ્ય તેમજ વિદેશમાં મોકલી આપવાનું આંતરરાજ્ય નેટવર્ક ચાલી રહ્યું હતું. હાલમાં સાયબર પોલીસ સ્ટેશન મોડાસા-અરવલ્લી ખાતે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
ચોરાયેલા મોબાઈલ ફોન કોના છે અને મૂળ માલિકો સુધી પહોંચવા માટે પોલીસ હવે કેન્દ્ર સરકારના સીઇઆઇઆરપોર્ટલ અને સંચાર સાથી એપ્લીકેશનનો સહારો લઈ રહી છે. પકડાયેલા ૪ આરોપીઓ તલ્હા હનીર્ફભાઇ સીધવા, મોહમદશાહરૂખ મોહમદરર્ફીક ચૌહાણ, અનસ આરીર્ફભાઇ સુથાર, નકીબ મોહમદસલીમ જથેરા સિવાય આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સાયબર પોલીસ અને એલસીબીએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.