અમિત શાહ દ્વારા દેશની સંસદમાં બાબાસાહેબ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા વડીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમિત શાહના નિવેદનથી સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે, જેના પગલે દેશભરમાં વિવિધ સંગઠનો અને લોકો દ્વારા દેખાવો અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના વડીયા ખાતે સ્વયં સૈનિક દળના નેજા હેઠળ રાષ્ટ્રપતિને સંબોધીને વડીયા મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે દેખાવો કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક યુવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.