અમરેલી-સાવરકુંડલા રોડ પર આવેલી એક હોટલ પાસે લોહિયાળ હંગામો થયો હતો. અમરેલીના મોટા ગોખરવાળા ગામના એક યુવક પર જૂની અદાવત રાખીને બે શખ્સોએ જાહેરમાં છરી અને ધોકા વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. મોટા ગોખરવાળા ગામના વિજયભાઇ બાબુભાઇ સિધ્ધપરા (ઉ.વ.૨૧)એ તેમના જ ગામના ઘનશ્યામભાઇ જીણાભાઇ સાથળા તથા મુન્નાભાઇ જીણાભાઇ સાથળા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
મળતી માહિતી મુજબ, મોટા ગોખરવાળા ગામના ફરિયાદી યુવક અમરેલી-સાવરકુંડલા રોડ પર આવેલી ‘આંગન હોટલ’ ખાતે ચા પીવા માટે ઉભા હતા. આ દરમિયાન આરોપી મુન્નાભાઈ અને ઘનશ્યામભાઈ ત્યાં મોટરસાઈકલ લઈને ધસી આવ્યા હતા. આરોપીઓએ તેમના પિતા અને કાકા સામે અગાઉ થયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી ગાળાગાળી શરૂ કરી હતી. મામલો બિચકતા બંને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપી મુન્નાભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢીને ફરિયાદીને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બચાવવા માટે હાથ આડો કરતા તેમને જમણા હાથની આંગળીઓ પર ગંભીર ઈજા થઈ હતી. બીજી તરફ, આરોપી ઘનશ્યામભાઈએ મોટરસાઈકલ પર બાંધેલો લાકડાનો ધોકો કાઢી તેના વાંસાના ભાગે ફટકારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































