ભાવનગર અને અમરેલી જિલ્લાની ૧૬ નગરપાલિકાઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના ઈજનેરી અધિકારીઓ અને કર્મચારીઓ માટે સર્વાંગી તકનિકી ક્ષમતાવર્ધન તાલીમ શ્રેણી સફળતાપૂર્વક યોજાઈ હતી. શહેર વિકાસ કાર્યો વધુ ગુણવત્તાયુક્ત, પારદર્શક અને અસરકારક બને તે હેતુથી આ તાલીમ કાર્યક્રમ અમલમાં મૂકાયો હતો.આ કાર્યક્રમ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડા. એન.કે. મીણા તથા પ્રાદેશિક કમિશનર (નગરપાલિકાઓ), ભાવનગર ઝોન ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો. તાલીમનું આયોજન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે વિવિધ તબક્કામાં યોજાયેલી આ તાલીમમાં અંદાજે ૭૬૦ જેટલા ઈજનેરી અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન અંદાજપત્ર તૈયારી, ટેન્ડર પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ (QC), સાઇટ સુપરવિઝન, પેવમેન્ટ ડિઝાઇન (ફ્લેક્સિબલ/રિજિડ), વ્હાઇટ ટોપિંગ, ક્લાઈમેટ રિઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. નિષ્ણાત પ્રોફેસરો દ્વારા પ્રાયોગિક ઉદાહરણો અને કેસ સ્ટડી આધારિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








































