અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલા અમૃતનગર વિસ્તારમાં તારીખ ૨૨/૦૩/૨૬ના રોજ રાત્રિના સમયે એક ગંભીર હિંસક ઘટના બની હતી. મૂળ રાજુલાના વતની અને હાલ અમરેલીમાં અભ્યાસ કરતા ૨૩ વર્ષીય યુવાન ચિરાગ બાબરીયા જ્યારે વિશ્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ગયા હતા, ત્યારે ર્પાકિંગ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મુખ્ય આરોપી શિવકુ કાઠી અને તેના બે અજાણ્યા સાથીદારોએ ફરિયાદીની જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી “તમને હલકી જ્ઞાતિનાઓને અહીં કોણે બોલાવ્યા” તેમ કહી જાહેરમાં હડધૂત કર્યા હતા. આ શખ્સોએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી અને જીવલેણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કૃત્ય દ્વારા આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી પરસ્પર ગુનામાં મદદગારી કરી હતી. આ ઘટનાની એસીએસટી સેલના ડીવાયએસપી પી.આર. રાઠોડ તપાસ ચલાવી રહ્યાં છે.