ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સાહેબની ૧૫૦૦મી જન્મજયંતી નિમિત્તે અમરેલીમાં ઈદે મિલાદુનનબીની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. નિશારે હુસેન કમિટી દ્વારા જુમ્મા મસ્જિદ શાહ ગોરાની ડેલી ખાતેથી વિશાળ જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો પોતાના બાળકો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. પીરે તરીકત સૈયદ દિલાવરબાપુ ચિશ્તી (રહે.)ના પુત્રો સૈયદ દાદાબાપુ તથા સૈયદ નિઝામબાપુ ચિશ્તીની આગેવાનીમાં જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. માર્ગમાં ઠેર ઠેર ન્યાઝ, શરબત, ચોકલેટ અને કેકની વહેંચણી કરવામાં આવી હતી. જુલૂસ દરમ્યાન સૈયદ દાદાબાપુ તથા સૈયદ નિઝામબાપુનું સ્વાગત અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે જુમ્મા મસ્જિદ ખાતે વાએજ-તકરીર કાર્યક્રમ યોજાયો અને ધાર્મિક વાતાવરણમાં ઉજવણીનું સમાપન થયું હતું.










































