અમરેલી શહેરના બટારવાડી, ગજેરાપરા, સરદાર નગર સહિતના અમુક વિસ્તારમાં વર્ષ ૨૦૨૨ થી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આમ છતાં પણ આ વિસ્તારમાં ઘણા મકાનોની લે-વેચ થતી હોય રહીશોમાં રોષ ફેલાયો છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા પોલીસ વડા, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવાને બદલે જાણે કે આવા કાર્યો માટે પ્રોત્સાહન અપાતું હોય તેમ બેરોકટોક દસ્તાવેજો થઈ રહ્યા છે જેને લઈને હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આવા દસ્તાવેજો રોકવા અને અશાંત ધારાનો કડક અમલ થાય તે માટે ચક્કરગઢ રોડ પર આવેલા રામેશ્વર મંદિરે સ્થાનિકોએ એક મિટિંગ બોલાવી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કાયદાની કડક અમલવારી માટે માંગ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનિકોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડોક્ટર જી.જે. ગજેરા, મજબૂતભાઈ બસીયા, વિજયભાઈ દેસાઈ, સુરેશભાઈ સોલંકી, નનુભાઈ તળાવીયા સહિતના સ્થાનિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.









































