હાલમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ઘણી જગ્યાઓ પર બિલ્ડિંગ પડવાની ઘટના બને છે અને તેમાં માનવ જિંદગી હતાહત થઈ હોવાના પણ સમાચાર મળે છે ત્યારે અમરેલી શહેરમાં પણ આવી જૂની બિલ્ડિંગો ધરાશાયી થતા અકસ્માત થાય તે પહેલા જ હટાવવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. અમરેલીના સ્ટેશન રોડ પર આવેલી જ્યુબેલી બિલ્ડિંગ સહિત ઘણી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. આવા બિલ્ડિંગો પાસેથી પસાર થતી વખતે રાહદારીઓના જીવનું પણ જોખમ છે. નગરપાલિકા દ્વારા આવી ઘણી જર્જરિત બિલ્ડિંગોને નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં હજુ સુધી આવી બિલ્ડિંગોને પાડવામાં આવેલ નથી. અમરેલી શહેરમાં કોઈ અકસ્માત થાય તે પહેલા જ આવી જર્જરિત બિલ્ડિંગો દૂર કરવામાં આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.