અમરેલી શહેરમાં બ્રોડગેજ લાઈનના કારણે બનતા અંડર બ્રિજની પહોળાઈ વધારવા માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંજૂરી આપી દીધી છે. અમરેલી શહેરમાં બ્રોડગેજ લાઈનનું કામ શરૂ થતા ચક્કરગઢ રોડ, અને લીલીયા રોડ પર ગરનાળા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ બંને રોડ પર ફક્ત એક જ લાઈનના રોડ મંજૂર થયા હોય શહેરીજનોને ટ્રાફિકનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરનાળા બનાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિક લોકોએ વિરોધ કરી કામ પણ અટકાવ્યું હતું. આ અંગે સ્થાનિક નગરપાલિકાના સદસ્યો સહિતના લોકોએ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાને આ બંને ગરનાળાની પહોળાઈ વધારવા માટે રજૂઆતો કરી હતી. જે અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરાતા આ બંને ગરનાળાની પહોળાઈ ૯ મીટર સુધી કરવા માટેની સિદ્ધાંતિક મંજૂરી
આપતા અમરેલીના શહેરીજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.