ભારે વરસાદના કારણે અમરેલી શહેરના રસ્તાઓ પર ગોઠણબૂડ પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી. ભારે વરસાદથી અમરેલી શહેરમાં આવેલ કામનાથ ડેમ ઓવરફ્‌લો થયો હતો. અમરેલીમાં વિદ્યાનગર સોસાયટીના મકાનોમાં બીજી વખત વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન-પરેશાન થઈ ગયા હતા. અમરેલી શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા. બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અમરેલીના લાઠી રોડ પર આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં જવાનો રસ્તો પાણી ભરાવાને કારણે બંધ થયો હતો જેના કારણે સાંજના સમયે ઘરે પહોંચવામાં સ્થાનિકોને મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત અમરેલીના હાર્દસમા રાજકમલ ચોકમાં પણ કેડ સમા પાણી ભરાયા હતા. દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠ્‌યા છે.