અમરેલી શહેરમાં નવા બની રહેલા માર્ગને કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે તો જુના માર્ગો પર વાહન ચાલકોની બેદરકારીને કારણે ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે. કાર ચાલકો ગમે ત્યાં વાહન મૂકીને જતા હોવાથી લોકો ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમરેલીમાં આવેલા જુના માર્કેટિંગ યાર્ડવાળા રસ્તા પર ટ્રાફિક સમસ્યા હવે કાયમી માથાનો દુઃખાવો બની ગઈ છે. આ માર્ગ પણ ખાણી-પીણીની દુકાનો આવેલી હોવાથી લોકો પોતાના વાહનો ગમે ત્યાં મૂકીને નાસ્તો કરવા જતા રહેતા હોવાથી વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ બાબતે અનેકવાર અખબારના માધ્યમથી પોલીસનું ધ્યાન દોરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી વાહન ચાલકોને પણ પોલીસનો કંઈ જ ડર ન હોય તેમ ગમે ત્યાં વાહન પાર્ક કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા કાયમી દર્દ બની ગયું છે. આ માર્ગ પર એટલી ટ્રાફિક સમસ્યા થાય છે કે અન્ય વાહન ચાલકો તો ઠીક પણ રાહદારીઓ પણ ચાલી શકતા નથી જેના લીધે રાહદારીઓમાં પણ પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો છે. આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી પોલીસ તાત્કાલિક ટ્રાફિક જામનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.