અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા “પોલીસ સંભારણા દિવસ-૨૧ ઓક્ટોબર” અંતર્ગત એક ત્રણ દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના હેઠળ, ૧૬, ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેમ્પ યોજાયો હતો. એસપી સંજય ખરાતે જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વયં રક્તદાન કરીને કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો અને નાગરિકોને જોડાવા અપીલ કરી હતી. આ આયોજનમાં રેડક્રોસ સોસાયટી સહિત વિવિધ બ્લડ બેંકોનો સહયોગ મળ્યો હતો. ત્રણ દિવસ દરમિયાન અનુક્રમે ૪૮૭, ૪૫૪ અને ૪૧૭ મળીને કુલ ૧૩૫૮ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, કેમ્પ જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનો પર યોજાયો હતો.