અમરેલી નગરપાલિકામાં ઘણા વર્ષો સુધી પોતાની વિવિધ ફરજ નિભાવી હેડ ક્લાર્ક નીતિનભાઈ કારીયા વયનિવૃત્ત થતાં તેમને સૌ સાથી કર્મચારીઓ દ્વારા ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યુ હતું. અમરેલી નગરપાલિકા ખાતે નીતિનભાઈએ વહીવટી બાબતોમાં વહીવટને સરળ બનાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સ્વભાવે સરળ અને વ્યાવહારિક જીવનશૈલીના કારણે તેઓએ સૌ સાથી કર્મચારીઓ, અધિકારીઓમાં સમ્માન મેળવ્યુ હતું. નગરપાલિકામાં વસુલાતની કામગીરીમાં સતત કાર્યરત રહીને તેઓએ અન્ય સહકર્મચારીઓને પ્રેરણા પૂરી પાડી હતી. વિદાયમાન પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન મનીષભાઈ ધરજીયા, નગરપાલિકાના સભ્યો દિલાભાઈ વાળા, કાળુભાઈ પાનસુરીયા, અમીનભાઈ, ચિરાગભાઈ ત્રિવેદી, વિશાલ ઠાકર, પિન્ટુભાઈ સહિતના પદાધિકારીઓએ વયનિવૃત્ત થતાં નીતિનભાઈ કારીયાનું સન્માન કરીને તેમની સેવાને બિરદાવી હતી અને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ, તેમજ સૌ કર્મચારીઓ, સગા સંબંધી, મિત્રજનો, સ્નેહીજનોએ પણ નીતિનભાઈનું સન્માન કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નીતિનભાઈ કારીયાની વયનિવૃત્તિ વેળાએ, આભારવિધિ અમરેલી નગરપાલિકાના સભ્ય કાળુભાઈ પાનસુરીયાએ કરી હતી.