અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુષુપ્ત રમતગમત ક્ષમતાઓને ઉજાગર કરવા માટે સતત ચોથા વર્ષે ભવ્ય રીતે “એકલવ્ય રમતોત્સવ (૪.૦)–૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રમતોત્સવને ઉજવણીસભર બનાવ્યો હતો. આ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપન સમારંભમાં ઇફ્કોના ચેરમેન દિલીભાઈ સંઘાણી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લિંબાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ડી.ડી.ઓ પી.બી. પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહીલ, જિલ્લા રમતગમત અધિકારી પૂનમબેન ફુમકિયા સહિત અનેક રાજકીય, શૈક્ષણિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવમાં કુલ અંદાજે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૨૪ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમાપન સમારંભમાં અધ્યક્ષ દિલીભાઈ સંઘાણીએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ “ખેલ મહાકુંભ” દ્વારા ગામડાંમાંથી પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવાનો પાયો નાખ્યો હતો. આ પ્રેરણાને અનુસરી અમરેલીની ટીમ રમતગમત દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. “એકલવ્ય રમતોત્સવ” નાના સિતારાઓની ઉડાનનું પ્રતિક બનશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રમતોત્સવ દરમિયાન વિજેતા બનેલા ૪૫૦ વિદ્યાર્થીઓ તથા ૫૦ શિક્ષકોને મેડલ, ટ્રોફી, ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે સુરેશભાઈ શેખવા, મુકુંદભાઈ મહેતા, રિતેષ સોની, ઋજુલ ગોંડલીયા, ધાર્મિક રામાણી, ચતુરભાઈ ખુટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન માટે ચેરમેન તુષારભાઈ જોષી, વાઇસ ચેરમેન ડી.સી. ગોલ, શાસનાધિકારી આશિષ જોષી તથા સમગ્ર શિક્ષક અને સ્ટાફ ટીમે જહેમત ઉઠાવી હતી.







































