અમરેલી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય મુદ્દો તા. ૦૬/૦૭/૨૦૨૫ ના રોજ રાજપીપળાની કોર્ટમાં બનેલી ઘટના હતી, જેમાં એક વકીલને પોલીસ દ્વારા કોર્ટમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા અને તેમની સાથે બેહુદુ વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. અમરેલી જિલ્લા બાર એસોસિએશને આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. એસોસિએશને માંગણી કરી છે કે, જે પોલીસ કર્મચારી દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, વકીલ હિતમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. આ બેઠકમાં વકીલ સમુદાયના સન્માન અને સુરક્ષાના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો.