અમરેલી જિલ્લા જેલ ખાતે રમઝાન ઈદના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે જેલ પ્રશાસન દ્વારા મુસ્લિમ બંદીવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સ્થાનિક સંસ્થામાંથી ખાસ મોલાનાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે જેલના તમામ મુસ્લિમ બંદીવાનોને ઈદની સામૂહિક નમાજ પઢાવી હતી. નમાજ બાદ મોલાનાએ રમઝાન ઈદના આધ્યાત્મિક મહત્વ અને માનવતાના મૂલ્યો વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જેલના વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને ભાઈચારો જોવા મળ્યો હતો. તમામ બંદીવાનોએ પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. જેલ સત્તાધીશોના આ સકારાત્મક અભિગમને કારણે બંદીવાનોમાં ભારે ખુશી જાવા મળી હતી.