આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવા માટે વિશાળ પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના નેતૃત્વમાં અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુક્ત પ્રભારીઓની ઉપસ્થિતિમાં ૨૦ માર્ચથી ૨૭ માર્ચ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજાશે. આ બેઠકોમાં સંગઠન મજબૂતી, ચૂંટણી લક્ષી આયોજન અને સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
પ્રવાસ કાર્યક્રમની વિગત મુજબ, ૨૦ માર્ચે સાવરકુંડલા (તાલુકા અને શહેર), ૨૧ માર્ચે કુંકાવાવ વડિયા અને બગસરા (તાલુકા અને શહેર), તેમજ ૨૨ માર્ચે રાજુલા અને જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગો યોજાશે. ત્યારબાદ ૨૩ માર્ચે લીલીયા અને અમરેલી (તાલુકા અને શહેર) ની બેઠકો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવશે. ૨૪ માર્ચે ખાંભા અને ધારીમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવશે, જ્યારે પ્રવાસના અંતિમ દિવસે ૨૭ માર્ચે લાઠી અને બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને નિર્ધારિત સમય અને સ્થળ પર હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.










































