અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે ગ્રાહકોના ૫૦૦૦ રૂપિયા કરતા વધારે રકમનું લેણું બાકી છે તેવા ૮૬૮૭ જેટલા વીજ ગ્રાહકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સમગ્ર જિલ્લામાં કુલ ૧૧ કરોડ ૮૧ લાખ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલવાની બાકી હોવાથી તંત્ર દ્વારા ૨૯૦ જેટલી વિશેષ વીજ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો સવારના ૭ વાગ્યાથી લઈને રાત્રિના ૮ વાગ્યા સુધી સતત કાર્યરત રહીને વીજ ડ્રાઈવ ચલાવી રહી છે અને બાકીદારોના વીજ જોડાણો સ્થળ પર જ કાપવાની કામગીરી કરી રહી છે. પીજીવીસીએલની આ આક્રમક કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો સમયસર લેણું ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે પીજીવીસીએલની કડક કાર્યવાહીને લઈને બાકીદારો વીજ બીલ ભરવા લાઈનો લગાડી હતી. જે બાકીદારોના બીલ ભરાઈ ગયા હતા તેઓના વીજ કનેકશન ફરી જાડવામાં આવ્યા હતા.
સા.કુંડલા પાલિકાએ ર૬.પ૬ કરોડનું બીલ ચુકવ્યુ
અમરેલી જિલ્લામાં પીજીવીસીએલની કડક કાર્યવાહીને કારણે સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. વીજ તંત્રની કડક કાર્યવાહીથી ભયભિત થઈ સાવરકુંડલા નગરપાલિકાએ અધધ..ર૬,પ૬,૮૩,૩૮૯ની રકમનો પીજીવીસીએલને ચેક આપ્યો હતો.
વીજ તંત્રએ ૩૭૩૯ ગ્રાહકોના વીજ કનેકશન કટ કર્યા
અમરેલી જિલ્લા પીજીવીસીએલની ટીમ દ્વારા બાકી વીજ બીલ વસુલવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૮૬૮૭ વીજ ગ્રાહકોમાંથી ૩૭૩૯ ગ્રાહકોના વીજ કનેકશન કાપવામાં આવ્યા છે. વીજ તંત્રની કડક કાર્યવાહીને કારણે વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.






































