અમરેલી જિલ્લામાં એક પછી એક બાળ સિંહોના મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર ઘટનાને પગલે રાજ્યભરમાંથી ઘેરા પ્રત્યાઘાતો પડતાં ગાંધીનગરથી વન વિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે તપાસ માટે અમરેલી પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ PCCF જયપાલસિંહની આગેવાનીમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમની સાથે જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (CCF) રામરતન નાલા પણ તપાસમાં જોડાયા છે. આ ટીમ હાલ જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી છે, જ્યાં બાળ સિંહોના મૃત્યુ થયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળ સિંહોના મોતનું કારણ એનિમિયા અને ન્યુમોનિયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક કક્ષાએ એવી વાતો વહેતી થઈ હતી કે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ આ મૃત્યુ પાછળના સાચા કારણો છુપાવી રહ્યા છે. આ વાતને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ ખુદ તપાસ માટે દોડી આવ્યા છે.