અમરેલી જિલ્લામાં શ્રાવણ માસના છેલ્લાં દિવસે મેઘરાજાની શાહી સવારી આવી પહોચી હતી. અમરેલી જિલ્લામાં સતત ચાર દિવસ મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સચરાચર વરસાદ પડી રહ્યો છે. ફરી એકવાર વડીયા-કુંકાવાવ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો તો અમરેલીમાં પણ વહેલી સવારે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બગસરામાં પણ ધીમી ધારે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં સતત વરસાદથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી અમરેલી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે હજુ પણ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.