અમરેલી જિલ્લામાં મેધરાજા જાણે રૂઠ્યા હોય તેમ વરસાદ પડતો ન હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેડૂતો પોતાની મોલાતને બચાવવા માટે બોર દ્વારા પિયત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ૮ કલાક વીજળી મળતી હોય તેના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવે તેવી જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ કુંજડીયા દ્વારા મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે તેમાં પણ એક કલાક જેટલું ટ્રીપિંગ થતું હોવાથી વીજકાપનો સામનો કરવો પડે છે. જા આવી સ્થિતિમાં અમરેલી જિલ્લાના ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવામાં આવે તો જિલ્લાના ખેડૂતો પિયત કરી શકે. તેથી ખેડૂતોએ પણ ૧૦ કલાક વીજળી માટે રાજ્ય સરકાર સમક્ષ મદદની માંગણી કરી છે. આ બાબતે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને પણ રજૂઆત કરવામાં આવતા તેમણે પણ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈ ૧૦ કલાક વીજળી આપવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે.





































