હીરા ઉદ્યોગમાં મંદીને કારણે બાળકોના શિક્ષણ પર અસર પડતી હોવાની રજૂઆતો બાદ રાજ્ય સરકારે રત્ન કલાકારોના બાળકોને શાળાની ફી માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનો ઉદ્દેશ તો રત્ન કલાકારોના પરિવારજનોને આર્થિક મદદ કરવાનો હતો પરંતુ આ રાહત પેકેજનો લાભ અમરેલી જિલ્લાની અમુક શાળાઓના સંચાલકો પોતાના આર્થિક હિત માટે લઈ રહ્યા હોવાની ફરિયાદો જિલ્લામાંથી ઉઠવા પામી છે. થોડા દિવસ પહેલા જ કરિયાણા ગામે ખાનગી શાળાના સંચાલકો વધુ ફી લેતા હોવાના આક્ષેપો બાદ આજે વધુ એક શાળા સંચાલકો સામે આક્ષેપો થયા છે. દામનગરમાં આવેલી નવજયોત સ્કૂલના સંચાલકો સામે પણ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ ઠુંમર તેમજ દામનગર ડાયમંડ એસોસિએશને ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. તેમણે નવજ્યોત સ્કૂલ દામનગર દ્વારા બાળકોની સ્કૂલ ફી રસીદ સામે રાહત પેકેજમાંથી આવેલી વધારે રકમ જમા લીધેલ હોવાનું જણાવ્યું છે. આ અંગે કલેકટર, જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉદ્યોગ કેન્દ્ર અમરેલીને પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલે જણાવ્યું છે કે જો કોઈ આવી ફરિયાદ આવશે તો તેની સામે યોગ્ય તપાસ કરવામાં આવશે.








































