અમરેલી જિલ્લામાં ગત મોડી રાત્રીએ ગાજ-વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેમાં બગસરા, લીલીયા, અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા, જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી ભાદરવાની ગરમીમાંથી રાહત મળી હતી. જિલ્લામાં સૌથી વધુ લીલીયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ અમરેલી, બાબરા, લાઠી સહિતના તાલુકાઓમાં જારદાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા તો રસ્તાઓ પર નદીઓ વહી હતી. જિલ્લામાં વરસાદને કારણે મગફળીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો જાવા મળી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ લીલીયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે કુંકાવાવ-વડીયામાં ૧પ મીમી, બાબરામાં ર મીમી, અમરેલીમાં દોઢ ઈંચ, બગસરામાં ૪૧ મીમી, ધારીમાં ૭ મીમી, સા.કુંડલામાં ૧૯ મીમી, ખાંભામાં ર૦ મીમી, જાફરાબાદમાં ૩૩ મીમી અને રાજુલામાં ર૩ મીમી વરસાદ નોધાયો હતો. ભારે વરસાદના કારણે અમરેલી શહેરમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાયો હતો. મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે વલસાડમાં રેડ એલર્ટ તો સુરત, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.