અમરેલી જિલ્લામાં પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીમાં વ્યાપક નુકશાન થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. વધુમાં કેરી અને ચીકુ જેવા ફળફળાદીના પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં રહેલો ખુલ્લો જથ્થો પલળી જવાથી પાયમાલ થયેલા ખેડૂતોની વહારે આવવા ભાજપ અગ્રણી પ્રાધ્યાપક જે.એમ. તળાવિયાએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે રાજ્ય સરકાર પાસે નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવી પાક વીમો અને સહાય મંજૂર કરવાની માંગ કરી છે જેથી ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી ઉગારી શકાય.










































