વધારાની બસ મુકવામાં આવતા અનેક લોકલ રૂટ બંધ કરવામાં આવ્યા
અમરેલી જિલ્લાના તમામ એસ.ટી. ડેપોમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે, જેમાં પંચમહાલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના છેવાડાના ગામોમાં રહેતા શ્રમિકો જે અમરેલી જિલ્લામાં ખેતીકામ તેમજ કન્સ્ટ્રકશન લાઈન સાથે જાડાયેલા છે તેવા શ્રમિકોની ભીડ વધુ જોવા મળી છે. અમરેલી જિલ્લામાંથી એસ.ટી.ની રપથી વધુ બસો દોડાવવા છતાં મુસાફરોની ભીડ ઓછી થતી નથી, છેલ્લા બે દિવસમાં પાંચ હજારથી વધુ લોકોએ એસ.ટી.ની મુસાફરી કરી છે. આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા તા.૧૬થી એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવ્યુ છે. અમરેલીથી શ્રમિકો પોતાના વતનમાં દિવાળી ઉજવી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ, ગોધરા, ફતેપુરા જતી તમામ એસ.ટી.બસમાં ચિક્કાર ટ્રાફિક જાવા મળી રહ્યો છે.
રોજિંદા ચાલતી બસ દાહોદ, ગોધરાના મુસાફરોથી ભરચક્ક ચાલે છે ત્યારે અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા વધારાની મુકવામાં આવેલી બસ પણ મુસાફરોથી ચિક્કાર ભરેલી ચાલી રહી છે. અમરેલી એસટી વિભાગ દ્વારા સુરત માટે ૬૦થી વધુ અને પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં જવા માટે રપથી વધુ બસ મુકવામાં આવી હોવાથી અનેક લોકલ રૂટની બસ બંધ કરવાની ફરજ પડી છે.
હજુ બે દિવસ શ્રમિકો માટે વધારાની બસ દોડાવવાની સંભાવના
અમરેલી જિલ્લામાં ખેતીકામ સહિતના અન્ય વ્યવસાયોમાં શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરે છે. જા કે હાલ કપાસ, મગફળીની સિઝન હોવાથી અનેક શ્રમિકો વતનમાં જઈ શક્યા નથી આમ છતાં જિલ્લાના એસ.ટી.ડેપોમાં શ્રમિકોની ભારે ભીડ જાવા મળી રહી છે. જે રીતે શ્રમિકોની ભારે ભીડ છે તેને જાતા અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા હજુ બે દિવસ વધારાની બસ દોડાવવી પડે તેવી સંભાવના છે. હાલ તો શ્રમિકો પોતાના વતનમાં દિવાળી ઉજવી શકે તે માટે અમરેલી એસ.ટી.વિભાગે કમર કસી છે.









































