રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
અમરેલી સ્થિત સરદાર સર્કલ (સેન્ટર પોઈન્ટ) થી રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને યુનિટી માર્ચ-પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં “સરદાર જ્ર૧૫૦ઃ યુનિટી માર્ચ” યોજાઈ રહી છે. યુનિટી માર્ચ દરમિયાન રૂટ મુજબ વિવિધ ગામ ખાતે ગ્રામજનોએ પદયાત્રાનું ઢોલ નગારા સાથે હર્ષભેર સ્વાગત કર્યું હતું. પદયાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકીયા સહિતના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા. યુનિટી-માર્ચ પદયાત્રા રૂટ પર નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.પદયાત્રાનું મોટા માચીયાળા મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પદયાત્રિકોને સંબોધન કરતા જણાવ્યું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે નાના મોટા ૫૬૨ જેટલા રજવાડાઓને સરદાર સાહેબે એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. લોહપુરુષ સરદાર પટેલે જૂનાગઢ જોડાણ મુદ્દે ત્યાંના નવાબને ઝુકાવીને ભારતસંઘમાં જૂનાગઢનું આન-બાન-શાન સાથે જોડાણ કર્યું હતું. “એક ભારત-શ્રેષ્ઠ ભારત” અને “જય સરદાર”ના નારાઓની ગૂંજ સાથે યુનિટી માર્ચ-પદયાત્રા સમાપન સ્થળ શેડુભાર ખાતે પહોંચી હતી. અહીં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે પદયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. કૈલાસ મુક્તિધામ પરિસરમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો. અમરેલી ખાતે આયોજિત યુનિટી માર્ચ-પદયાત્રામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, અમરેલીના વિવિધ સમાજના આગેવાનો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોટ્ર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ – રમતવીરો, શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










































