જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ડીસ્ટ્રીકટ કોર્ટ, અમરેલી ખાતે એક નવી અને અનોખી થીમ ‘મારા ઘરે પણ એક છોડ’ અંતર્ગત કરવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીનાં અધ્યક્ષ રીઝવાના બુખારી તથા ફુલ ટાઈમ સેક્રેટરી આર.વાય. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસ્ટ્રીકટ જજ રીઝવાના બુખારીએ ‘મારા ઘરે પણ એક છોડ’ નો નવો વિચાર રજૂ કર્યો, જેમાં જિલ્લા કક્ષાએ કોર્ટમાં ફરજ બજાવતા તમામ જ્યુડિશિયલ ઓફિસરો, તમામ સ્ટાફ મેમ્બર્સ તથા તમામ વકીલો સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસને એક સર્જનાત્મક અભિયાન તરીકે ઉજવવા સૂચવ્યું. આ અભિયાન અંતર્ગત, વિકસ તુલસી’ નાં એક-એક છોડનું કુંડા સાથે ડીસ્ટ્રીક્ટ જજ રીઝવાના બુખારીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેમિલી જજ પી.એન. દવે, એડિશનલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.આર. વકાલીયા, એડી. સિનિયર સિવિલ જજ વી.ડી. વ્યાસ, સિવિલ જજ કે.બી. પરમાર, લેબર જજ આર.એ. નાગપાલ, બાર એસોસિએશન અમરેલીનાં પ્રમુખ એન.વી. ગીડા તેમજ હોદ્દેદારો અને વકીલો તેમજ જિલ્લા અદાલતના તમામ સ્ટાફે હાજર રહી આયુર્વેદિક છોડ સ્વીકારી તેના ઉછેરની જવાબદારી લીધી હતી.