જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘વિકસિત ભારત – જી રામ જી બીલ ૨૦૨૫’ અંગે જાગૃતિ લાવવા માટે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મનરેગાના સ્થાને આવેલી નવી યોજના અને ગ્રામીણ રોજગારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કેવીકેના વિષય નિષ્ણાંત ડો. નેહા તિવારીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના વડા ડો. મિનાક્ષી કે. બારીયાએ ઉપસ્થિત હોદ્દેદારોને માહિતગાર કર્યા હતા કે, કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા દરેક કુટુંબને દર વર્ષે ૧૨૫ દિવસ સુધી રોજગારી પૂરી પાડવાનાં ઉદ્દેશથી પૌરાણિક મનરેગા યોજનાને બદલે વર્તમાનમાં ‘જી રામ જી બીલ ૨૦૨૫’ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવી યોજના થકી હવે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા દ્વારા ગ્રામીણ વિકાસના કાર્યો કરવામાં આવશે, જે અંગે સરપંચો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રોગ્રામમાં અમરેલી જિલ્લાના જુદા જુદા ગામના ૭૬ સરપંચ, ૮ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તથા ૧૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે વિષય નિષ્ણાત ડો. શ્વેતાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત સૌને પ્રાકૃતિક મોડેલ ફાર્મની વિઝીટ પણ કરાવવામાં આવી હતી.