અમરેલી જિલ્લામાં બાઈક ચોરી કરતી ગેંગેને ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી છે. સાવરકુંડલા અને દામનગરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરતા બાઈકચોર ટોળકીએ રપ બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. એલસીબી ટીમે દામનગર અને સાવરકુંડલા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરી કરતી બે અલગ-અલગ ગેંગના કુલ પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. દામનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે બે શંકાસ્પદ ઇસમોને ચોરાયેલ બાઇક સાથે પકડી પાડ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઇસમોએ દામનગર, ગારીયાધાર, સુરત અને પાલીતાણા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીની બાઇક કબ્જે કરી છે. બીજી તરફ, સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને માહિતી મળી હતી કે ત્રણ ઇસમો ચોરીની બાઇક સંતાડી રહ્યા છે. આ માહિતીના આધારે રેઈડ કરતાં પોલીસે ત્રણ ઇસમોને કુલ ૨૦ ચોરાયેલી બાઇક સાથે પકડી પાડ્યા હતા. પૂછપરછમાં આ ત્રણેય ઇસમોએ સાવરકુંડલા, મહુવા, તળાજા, અલંગ અને બગદાણા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી પણ ચોરીની બાઇકો કબ્જે કરી છે. આ કાર્યવાહીના પરિણામે એલસીબી ટીમે દામનગર અને સાવરકુંડલા વિસ્તારમાં નોંધાયેલા કુલ ૨૫ જેટલા અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પકડાયેલા પાંચેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હેન્ડલ લોક વગરની મોટરસાયકલની ચોરી કરતા હતા
જેસરના ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા અને જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલાની મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવણી સામે આવી છે. અગાઉ પણ આ જ ગુનામાં પકડાયેલા આ બંને આરોપીઓ જાહેર સ્થળો અને પાર્કિંગની જગ્યાઓને નિશાન બનાવતા હતા. તેમની ચોરી કરવાની રીત પણ એકદમ સમાન હતી. તેઓ એવી મોટરસાયકલો શોધતા જેમાં હેન્ડલ લોક મારેલું ન હોય. ત્યારબાદ પોતાની પાસે રહેલી ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને તેઓ મોટરસાયકલ ચાલુ કરતા અને ચોરી કરીને ફરાર થઈ જતા. ચોરી કર્યા બાદ તેઓ તરત જ મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને તેને વેચવાના ઇરાદે ભેગી કરતા હતા. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓ પાસેથી ચોરી કરેલી વધુ મોટરસાયકલો મળી આવવાની શક્યતા છે.