અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રૂ. ૮૨.૮૫ લાખના ઈ-લોકાર્પણ અને રૂ. ૬૭.૧૫ લાખના ઈ-ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૧.૫૦ કરોડના વિવિધ વિકાસકામોની ભેટ જિલ્લાને મળી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ વેળાએ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ઉપરાંત વિદ્યાસભા ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોટ્ર્સ સ્કૂલના આદિજાતિ સમાજના શ્રેષ્ઠ રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, મોમેન્ટો અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસદ ભરતભાઈ સુતરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, જળ, જંગલ અને જમીન બચાવવા અને પોતાની અસ્મિતાના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાજીએ નાની ઉંમરમાં અંગ્રેજો સામે લડાઈ લડી હતી. તેમની લડાઈ એટલી પ્રચંડ હતી કે, અંગ્રેજોએ જળ, જંગલ અને જમીન ઉપરાંત આદિજાતિના હક્કો અને અધિકારો માટે નીતિ ઘડવાની ફરજ પડી હતી. વધુમાં ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાજી ‘ધરતી આબા’નો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે. ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જિલ્લાકક્ષા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત હોદ્દેદારો, પદાધિકારીઓ, વિદ્યાસભા સંકુલ ટ્રસ્ટી ચતુરભાઈ, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી મહેશ નાકીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, બહોલી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.










































