વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર ટીમ દ્વારા આગામી ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ રામનવમી નિમિત્તે યોજાનારી ભવ્ય શોભાયાત્રાના પૂર્વાધરૂપે ગત ૨૨ માર્ચના રોજ સિનિયર સિટીઝન પાર્ક સ્થિત કાર્યાલયે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે શહેરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે સારહી યુથ ક્લબ, લાયન્સ ક્લબની વિવિધ પાંખો, ચેમ્બર ઓફ કોમર્સ, અશ્વમેધ ગ્રુપ અને વિવિધ સમાજના અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈ અને મંત્રી ઈતેશભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ આરતીમાં બજરંગ દળ અને ગૌ રક્ષા ટીમની જહેમત ઉડીને આંખે વળગી હતી. નગર પ્રમુખ ભાવેશભાઈ કાબરિયા અને મંત્રી પંકજભાઈ કાનાણીએ આ કાર્યક્રમને શોભાયાત્રાની સફળતા માટેનું પ્રથમ સોપાન ગણાવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.