અમરેલીમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા અદ્યતન માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ૨ લાખ ચોરસ ફૂટ જગ્યામાં ગુજરાતના સૌથી મોટા “વિરાટ શેડ”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત શેડનું લોકાર્પણ આગામી તા.૨૧/૦૩/૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌ હસ્તે કરવામાં આવશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કાર્યક્રમ તા. ૨૨/૦૩/૨૦૨૬ને રવિવારના રોજ યોજવાનું આયોજન હતું, પરંતુ મુખ્યમંત્રીની સૂચના અનુસાર હવે આ કાર્યક્રમ તા. ૨૧/૦૩/૨૦૨૬, શનિવારે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે. માર્કેટયાર્ડના ચેરમેન ભાવિનભાઈ જે. સોજીત્રા, વાઈસ ચેરમેન ચંદુભાઈ બી. પોલરા અને સેક્રેટરી તુષારભાઈ એચ. હપાણીએ અમરેલી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો અને શહેરી જનોને સવારે ૯-૩૦ કલાકે નવા માર્કેટયાર્ડ ખાતે ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેવા નમ્ર અપીલ કરી છે. આ વિરાટ શેડના લોકાર્પણથી જિલ્લાના ખેતીવાડી અને વેપાર ક્ષેત્રે નવી સુવિધાઓનો ઉમેરો થશે.