અમરેલી જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના માર્ગદર્શન હેઠળ એક મહત્વની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં પ્રતાપ દુધાત સહિતના દિગ્ગજ નેતાઓ અને શહેર સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપીને આગામી પડકારો ઝીલવા માટે મંથન કર્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સત્તાધારી ભાજપના દબદબા સામે મજબૂત સંગઠનાત્મક માળખું ઊભું કરવાનો અને જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવાનો રહ્યો હતો. વર્તમાન સ્થિતિમાં ભાજપનું વર્ચસ્વ તોડવા માટે કોંગ્રેસે સામાજિક સમીકરણો અને સંગઠનાત્મક કાર્યક્રમો પર વિશેષ ભાર મૂક્યો છે. જિલ્લામાં નગરપાલિકાની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ તોળાઈ રહી છે, ત્યારે સત્તાવિહોણી કોંગ્રેસ ફરી બેઠી થવા મરણિયા પ્રયાસો કરી રહી છે. પક્ષના નેતાઓએ કાર્યકરોને પ્રજાની વચ્ચે જઈને ભાજપની નીતિઓ સામે અવાજ ઉઠાવવા આહવાન કર્યું છે.









































