દેશના ગ્રામીણ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી પૂરી પાડતી અને ગામડાઓના વિકાસમાં મહત્વપૂર્ણ બની ચૂકેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અંતર્ગત થયેલા કામોની વિગતવાર માહિતી ગ્રામસભાઓ મારફતે જાહેરમાં આપવાની માંગ ઉઠી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી, કિસાન મોરચા ગુજરાત ભાજપ, હિરેનભાઈ હિરપરાએ આ સંદર્ભે ગ્રામ વિકાસ કમિશનને પત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે, મનરેગા યોજના અંતર્ગત વંચિતોને ૧૦૦ દિવસની રોજગારી ઉપરાંત પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે. આ વિકાસલક્ષી અને રોજગારી આપતી યોજના હેઠળ અત્યાર સુધીમાં જે-જે ગામોમાં વિકાસના કામો થયા હોય, તે કામોની યાદી, ખર્ચની રકમ, અને જે-જે વંચિતોને રોજગારી આપવામાં આવી છે તેની તમામ માહિતી સક્ષમ અધિકારીઓની હાજરીમાં ગ્રામસભાઓ ભરીને જાહેરમાં આપવામાં આવે.હિરપરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આમ કરવામાં આવે તો આ યોજનાની સાચી માહિતી જનતા સુધી પહોંચશે અને લાભાર્થીઓને મળેલા લાભોની પણ ખુલ્લી ચર્ચા થઈ શકશે. આ પગલાથી યોજનામાં વધુ પારદર્શિતા આવશે અને ગ્રામીણ વિકાસના કાર્યોની જાણકારી સ્થાનિક લોકોને મળી રહેશે, જેથી યોજનાનો મૂળભૂત ઉદ્દેશ્ય વધુ સાર્થક થશે.