અમરેલીમાં એક ફોટોગ્રાફરને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત લાફો મારી ઇજા કરી, તેમજ ગામમાં સરઘસ કાઢી, કટકા કરી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મૂળ પીપળલગ ગામના અને હાલ અમરેલીમાં રહીને વીડિયોગ્રાફીનો વ્યવસાય કરતા દર્શનભાઇ ભીખુભાઇ ભાસ્કર (ઉ.વ.૨૨)એ ડેડાણ ગામે રહેતા રાજુભાઇ કાનાભાઇ પરમાર (મામાજી) તથા માલકનેસ ગામે રહેતા ચેતનભાઇ મનજીભાઇ સોંદરવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પત્નિએ માતા-પિતાની વિરુદ્ધમા જઇ તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાબતે તેના પત્નિ પક્ષે ખાર રાખ્યો હતો. તેઓ મોટરસાઈકલ લઇ લગ્નના વીડિયો શૂટિંગમાં અમરેલી જેસીંગપરા શિવાજી ચોકથી આગળ જતા જેસીંગપરા પ્રથમ પુલ પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ તેમનું મોટર સાયકલ ઊભું રખાવ્યું હતં. જે બાદ તેમને રાડો પાડીશ તો બ્લેડથી ગળું કાપી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપી પોતાના મો.સા.માં બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરી ચલાલા તરફ લઇ ગયા હતા. આ દરમિયાન બંને આરોપીઓએ જેમફાવે તેમ ગાળો આપી, ચાલુ મોટર સાયકલે ઘુસતા માર્યા હતા. તેમજ મામાજીએ માથામાં પાછળના ભાગે બ્લેડ વડે ઘા મારી તથા લાફો મારી ઇજા પહોંચાડી હતી. તેમજ ગામમાં સરઘસ કાઢી કટકા કરી નાખવાની ધમકી આપીને મોબાઇલ, પાકીટ તથા મોસાની ચાવી, કેમેરાની બેટરી, ર્ચાજિંગ બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી પીએસઆઈ આર ડી કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.