ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીથી કંટાળી દીપક રામાણીએ ૧૨ વર્ષની દીકરી સાથે જીવન ટૂંકાવ્યા બદલ તેની પત્ની સહિતના આરોપીઓ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. હિતેષભાઇ બાબુભાઇ રામાણી (ઉ.વ.૩૯)એ સુરતમાં રહેતા હેતલબેન મગનભાઇ વેકરીયા, રવજીભાઇ સોજીત્રા, રાકેશભાઇ મગનભાઇ વેકરીયા, મગનભાઇ કેશવભાઇ વેકરીયા, પ્રભાબેન મગનભાઇ વેકરીયા, શૈલેષભાઇ વેકરીયા તથા બાબરના ધરાઈ ગામે રહેતા રમેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ભાઇ દીપકભાઇ બાબુભાઇ રામાણીના લગ્ન આશરે પાંચેક મહિના પહેલા હેતલબેન મગનભાઈ વેકરીયા સાથે થયા હતા. જેઓ આશરે પંદર દિવસ સુધી તેના ભાઇ સાથે રહીને રીસામણે જતી રહી હતી. જે વાતનુ મનદુઃખ રાખી આશરે ચારેક મહિનાથી આરોપીઓ તેના ભાઇને ફોન કરી તથા રૂબરૂમાં ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની તથા તેના ભાઇ દીપકભાઇને મરવા મજબુર કર્યા હતા. તેમના ત્રાસથી કંટાળી મરણજનારે પોતાના વાડી ખેતરે તેના દીકરી રીવા ઉ.વ.૧૨ સાથે કુવામાં પડી જઇ મોત વ્હાલું કર્યું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ ડી એસ ઈશરાણી વધુ તપાસ કરી રહ્યા છે.









































