અમરેલીના લાઠી રોડ પર આવેલા દીકરાના ઘર ખાતે તાજેતરમાં “નારી શક્તિ મહોત્સવ-૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. “સશક્ત નારી, સશક્ત રાષ્ટ્ર”ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મહિલાઓને આરોગ્ય, યોગ અને મેદસ્વિતા મુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પતંજલિ મહિલા સમિતિ અને અન્ય સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી પૂનમબેન ફુમકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોએ મહિલાઓને આત્મનિર્ભરતા અને પ્રાકૃતિક જીવનશૈલી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહોત્સવ દરમિયાન ૧૩ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સહભાગીઓને મોમેન્ટો અને પુસ્તકો આપી સન્માનિત કરાયા હતા.






































