અમરેલીના યુવકને ડોક્ટરોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પરિવાર દ્વારા અનુકરણીય નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્વ.મહેશભાઈ સોલંકીના પરિવારે અમદાવાદ ખાતે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા છેલ્લાં ઘણા સમયયથી અંગદાનનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ યજ્ઞ થકી અનેક લોકોને નવજીવન મળ્યુ છે. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય થકી ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. અમરેલીના રહેવાસી ૩૫ વર્ષીય મહેશભાઇ સોલંકીને ૦૨ જુલાઇના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ બગસરાથી હામાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૯ જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. મહેશભાઈ સોલંકીના પરિવારે અંગદાનની સંમતિ આપતા અનેક જરૂરીયાતમંદોને નવજીવન મળશે.
મહેશભાઈના પરિવારના નિર્ણયનો હોસ્પિટલના સ્ટાફે આભાર માન્યો
મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.
૬પ૭ અંગદાનમાંથી ૬૩૮ લોકોને નવજીવન મળ્યું: સિવિલ સુપ્રિ. રાકેશ જાષી
આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડા. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ૨૦૦ અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. ૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું. અંગદાનની આંકડાકીય વિગતો પૂરી પાડતા ડા. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૨૦૦ અંગદાન થયાં છે. જેના દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે.