સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી રોજી-રોટીની શોધમાં લોકો સતત સ્થળાંતર કરી રહ્યા છે. નવી પેઢીને ગામડાઓની શાંતિ અને સલામતીની જરૂરિયાત રહી નથી. આજે ગ્રામીણ કક્ષાએ કોઈને મોટા ધંધા-વ્યવસાય કરવા નથી. બધાની મોટા મહાનગરો તરફની દોડ છે ત્યારે અમરેલી શહેરનો એક ભણેલો-ગણેલો જુવાનીયો માતૃભૂમિમાં રહીને જ પોતાની પાંખો ઉપર મોટી ઉડાન ભરીને સફળતા હાંસલ કરવા જઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના મૂળ-રામપુર-તોરી ગામના વતની અને વ્યવસાય અર્થે અમરેલી શહેરમાં સ્થાયી થયેલા જયંતીભાઈ કાછડીયાના દીકરા પૂજન કાછડીયાની ઉંમર માત્ર ર૮ વર્ષની છે. અને બી.એસ.સી કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે પૂજન સાથે વાત કરતા મેં પૂછયું, ‘કેમ અમરેલીમાં ધંધો ઉભો કરવો છે?’ ત્યારે નિખાલસતાપૂર્વક જવાબ આપતા પૂજને જણાવ્યું કે, ‘મારો પરિવાર પૂજ્ય પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવાર સાથે જાડાયેલો છે.’ પૂજને વિશ્વાસ વ્યકત કર્યો છે કે ઈશ્વર સર્વત્ર બિરાજમાન છે. સાચી દિશામાં મહેનત અને લગનથી કામ કરવામાં આવે તો ઈશ્વર સફળતા અપાવે છે. જે જિલ્લાની માટી અને શહેરમાં રમ્યા-ભમ્યા છીએ, ભણી ગણીને મોટા થયા છીએ તે શહેર છોડવાનું ના હોય; હવે ટેકનોલોજી અને બુધ્ધિ, ખંત અને મહેનતથી શહેરને આપવાનું હોય.
પિનટ બટરની માંગ સતત વધી રહી છે. પિનટ બટર એટલે મગફળી પીસીને બનાવેલ ઘાટી ક્રિમી અથવા કરકરી પેસ્ટ જેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાવીને ખાવામાં કરવામાં આવે છે. પૌષ્ટીક આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જીમમાં અને ખેલાડીઓ ઉપયોગ કરે છે. પ્રોટીન વધુ હોય છે. એનર્જી આવે છે. મસલ્સ મજબૂત બનાવે છે. હવે ભારતમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે.
પૂજન કાછડીયા જણાવે છે કે હાલ બજારમાં જે પિનટ બટર મળે છે તે પેસ્ટ ટાઈપ હોય છે, જયારે તેઓ બનાવે છે એ પાવડર ફોમમાં દેશમાં બનાવનાર પ્રથમ છે. હાલ ત્રણ ફલેવરમાં પિનટ બટર રજૂ કરવામાં આવ્યું છે. પ્યોર પિનટ પાવડર, ઓરીઝનલ સ્યુગર અને સોલ્ટ ફલેવર અને ચોકલેટ ફલેવર. હાલ પ્લાન્ટની કેપેસીટી મહિને પ ટનની છે. જે ભવિષ્યમાં એક્સપાન સાથે ર૦ ટન સુધી લઈ જવાની તૈયારી છે. હાલ ૧૯ લોકોને પ્લાન્ટમાં રોજગારી આપે છે. સેલ્સ અને માર્કેટીંગ સ્ટાફ અલગ. આમ ૧૦૦ આસપાસ વ્યક્તિઓને સ્થાનિક સ્તરે રોજગારી આપવાનો પ્રયત્ન થશે.
આ ઉપરાંત સારી કવોલીટી અને પ્રાકૃતિક રીતે ઝેરી દવા વિના મગફળીનું ઉત્પાદન થાય તે દિશામાં પણ પોતાનો વિચાર હોવાનું જણાવ્યું છે.
આગામી સમયમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અમરેલીના આ યુવાનના સ્ટાર્ટઅપમાં રોકાણ પણ કરશે. કારણ કે ભારતના સૌથી મોટા બિઝનેસ રીયાલીટી ‘‘શો શાર્ક ટેન્ક ઈન્ડીયા’’ માં આ પ્રતિભા બિઝનેસ આઈડીયા સાથે રજૂ થશે. બોલો આપશોને અભિનંદન. પૂજન કાછડીયાનો સંપર્ક નં.૯૦૩૩૧૪૮૮ર૮.
:તિખારો:
શબ્દો પાછળ છુપાયેલી વ્યથા, વેદનાને સમજા અને કડવા સત્યને ઓળખો, જીભ ભૂલ કરતી નથી, તે ફકત હૃદયમાં છુપાયેલા સત્યને શબ્દો રૂપે તમારી સાથે મૂકે છે.












































