અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત અમરેલીની કમાણી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત IIT JAM ૨૦૨૬ ની પરીક્ષા ગણિત વિષય સાથે પાસ કરીને કોલેજ અને અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. કોલેજના B.Sc. સેમેસ્ટર-૬ માં અભ્યાસ કરતા બે તેજસ્વી વિદ્યાર્થીઓ, ધાધલ ઉર્વશી રણજીતભાઈ તથા ડાભી મહેશ હિમ્મતભાઈએ પોતાની સખત મહેનત અને પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ આ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિશેષ વાત એ છે કે આ બંને વિદ્યાર્થીઓ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને હવે તેઓ દેશની પ્રતિષ્ઠિત IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકશે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડા. ક્રિષ્ના પુરોહિત તરફથી વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગણિત વિભાગના અધ્યક્ષ નીતાબેન રંગોલીયા તથા અધ્યાપક એસ.એમ. ભાવસાર દ્વારા પણ સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.