અમરેલીમાં આવેલી શાંતાબા જનરલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સ્વરપેટીના કેન્સરથી પીડાતા દર્દી મોહનભાઈ ઠાકુર પર ‘ટોટલ લેરિંજેક્ટોમી’ નામની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. કેન્સર સર્જન ડા. અનુજ સુકેતુ શાહના નેતૃત્વમાં ડા. ભાવિન વડોદરીયા, ડા. અક્ષર પટેલ અને ડા. ગૌરબ મિત્રાની ટીમે આ પડકારજનક ઓપરેશન કર્યુ હતું. તબીબોએ કેન્સરગ્રસ્ત સ્વરપેટી દૂર કરી, શ્વાસ લેવા માટે ગળામાં અલગ માર્ગ તૈયાર કર્યો હતો. ખાસ નોંધનીય છે કે, આ ખર્ચાળ સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીને સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી છે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. અમરેલીમાં જ કિમોથેરાપી અને કેન્સર સર્જરીની સુવિધા ઉપલબ્ધ થતા સ્થાનિક દર્દીઓને હવે મોટા શહેરો સુધી લંબાવું પડશે નહીં. સફળ સારવાર બદલ દર્દીએ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.









































