અમરેલી શહેરની રવિવારી બજારમાં વેપાર કરતા ગરીબ પરિવારોની રોજગારી બચાવવા માટે બુધવારે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ભરત કાતરીયા દ્વારા વેપારીઓની હાલાકી અંગે જિલ્લા કલેકટરને વાકેફ કરવામાં આવ્યા હતા. રજૂઆત કરતા સમયે ભરત કાતરીયાની સાથે હાર્દિક સોલંકી, ધર્મેશ સોલંકી, સબ્બીરભાઈ તેલી, ભરત બારોટ, ઇમરાનભાઈ સેલોત અને હનીફભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રજૂઆતને અંતે કલેક્ટરે વેપારીઓની સમસ્યાને હકારાત્મક રીતે સાંભળી હતી અને ગરીબ લોકોને બેસવા માટે ભાડા પેટે અલગ વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.